આજકાલ રસોઈમાં તૈયાર ખાંડેલા મસાલા નાખીને ભોજનને સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. અનેક કંપનીઓના તૈયાર મસાલા આવે છે પરંતુ લાલ પાઘડી, સફેદ શેરવાણી ધારણ કરેલા દાદાજીના ફોટાવાળા MDH મસાલાના માલિકની જીવનસફર બહુ જ સંધર્ષપૂર્ણ અને રોમાચંક રહી છે. MDH મસાલાના માલિક તરીકે ઘરે ઘેર લગભગ જાણીતા બની ચૂકેલા આ દાદાજી એક સમયે ઘોડાગાડી ચલાવીને પોતાનું અને પરીવારનું ભરણપષણ કરીને જીવન ગુજારતા હતા.
MDH એટલે કે, મહાશિયાન દી હટ્ટીની સ્થાપના એકસો વર્ષ પૂર્વે 1919માં અવિભાજીત ભારતના સિયાલકોટમાં (હાલના પાકિસ્તાનમાં)ચુન્નીલાલ ગુલાટી દ્વારા કરાઈ હતી. નાના વ્યવસાયમાંથી કરોડો રૂપિયાની કંપનીમાં ફેરવવામાં ગુલાટીએ, તનતોડ મહેનત કરી છે.
1923માં હાલના પાકિસ્તાનના સિયાલકોટમાં ગુલાટીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ મહાશય ચુન્નીલાલ અને માનું નામ ચનનદેવી હતુ. નદી કિનારે ભેસ ચરાવવી, દુઘ વેચવા અને અખાડામાં કુસ્તીના દાવ શિખતા હતા. પિતાના ધંધામાં મદદરૂપ થતા હતા. ભણવામાં પ્રમાણમાં નબળા હોવાથી પાંચમા ધોરણમાં પ્રવેશ્યા બાદ અભ્યાસ છોડી દીધો. શરૂઆતમા રોડ ઉપર બેસીને અરીસા વેચવાના પિતાના વ્યવસાયમા મદદ કી. પછીથી સાબુ વેચવાનું શરુ કર્યુ. સમયની સાથે હાર્ડવેર, કપડા, અને ચોખાનુ ટ્રેડીગ કરવા જેવા વ્યવસાયમાં પણ નસીબ અજમાવી જોયું.
બાપ બેટાએ મહાશિયાન દી હટ્ટીના નામે મરી મસાલા, તેજાનાની એક નાની દુકાન શરૂ કરી, જેને દેગી મિર્ચ વાલેના નામે ઓળખાતી થઈ. પરંતુ ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે રાતોરાત બધુ મૂકીને ભારત, દિલ્લી આવ્યા. 7 સપ્ટેમ્બર 1947ના રોજ અમૃતસરના એક શરણાર્થી કેમ્પમાં પહોચ્યા, ત્યારે તેમની ઉમર 23 વર્ષ હતી. પોતાના સાળાની સાથે અમૃતસર છોડીને કામકાજની શોધમાં દિલ્લી આવ્યા.
તેઓ જ્યારે દિલ્લી આવ્યા ત્યારે તેમના ગજવામાં 1500 રૂપિયા હતા. તેમાથી 650 રૂપિયામાં ધોડાગાડી ખરીદી. જેમાં તેઓ બે આનામાં દિલ્લી રેલ્વે સ્ટેશનેથી કુતુબ રોડ, કરોલબાગ, બારા હિંદુ રાવ સુધીના ફેરા કરવાનું શરૂ કર્યું. પરંતુ ગુલાટીને કઈક બીજુ જ કરવાની ધૂન હતી. તેમને વિશ્વાસ હતો કે સિયાલકોટમાં શરૂ કરેલ મરી મસાલા-તેજાનાના ધંધામાં સારી કમાણી હતી. એ ધંધો અહિયા કરવા જેવો છે.
પોતાની ઘોડાગાડી વેચી દીધી. અને કરોલ બાગ વિસ્તારમાં અજમલખાન રોડ ઉપર નાની દુકાન ખરીદી. જેમાં સિયાલકોટના મહાશિયાન દી હટ્ટી, દેગી મિર્ચ વાલેના બોર્ડ સાથે ધંધો શરૂ કર્યો. ગુલાટી અને તેમના ભાઈ સતપાલે ધંધો સંભાળ્યો. અને ખારી બાવરી વિસ્તારમાં વધુ એક દુકાન ખોલી.
આ એવા સમયની વાત છે કે જ્યારે લોકો, ઘરે બનાવેલા મરી મસાલા, ખાંડેલા તેજાના શુધ્ધ હોવાની માન્યતાથી ઘરમાં જ બનાવતા અને વાપરતા હતા. લોકોની આ માન્યતાને તોડવા અને તૈયાર મરી મસાલાના વપરાશ તરફ વાળવા બહુ જ અઘરુ હતું. આવા સમયે તેમણે જાહેરખબર અને પેકેજીગ ઉપર ભાર આપ્યો. એડવર્ટાઈઝ કંપની કે માર્કેટીગ જેવા શબ્દો પ્રચલિત બન્યા નહોતા ત્યારે ગુલાટીએ, પોતાના ફોટાનો ઉપયોગ બ્રાન્ડ તરીકે કરવાનું શરૂ કર્યું. જે આજે પણ કેટલાક ફેરફાર સાથે લગભગ એવુ જ છે. ગુલાટીએ ક્યારે સ્વપ્નામાં પણ નહોતુ વિચાર્યુ કે તેમને લોકો મુછવાલા દાદાજી કે એમડીએચ વાલા દાદાના નામે ઓળખશે. સરકારે તેમની સેવાકીય પ્રવૃતિને લઈને પદ્મભૂષણ એવોર્ડ અર્પણ કર્યો.